About-us-Banner

એકતા યાત્રા “અખંડ ભારતની આગવી વૈશ્વિક ઓળખ”

ભારતની આગવી ઓળખ તરીકે આકાર લઈ રહેલ સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રખર રાષ્ટ્રપ્રેમી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને એક સર્વોચ્ચ શ્રદ્ધાંજલિ છે, જેમણે બ્રિટિશ રાજ પછી ૫૬૨ રજવાડાંને ભારતમાં ભેળવીને એક સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ એક અદ્વિતીય પ્રતિભા ધરાવતા વહીવટકાર પણ હતા, જેઓ નવી નવી સ્વતંત્રતા મેળવનારા રાષ્ટ્રને અસ્થિરતામાંથી સ્થિરતા તરફ લઈ ગયા.

એકતા યાત્રા આ અનન્ય રાષ્ટ્રીય સિમાચિહ્નના પ્રારંભની ઉજવણી કરે છે. એકતા યાત્રાનાં મૂળ આજીવન સમર્થ ભારતના નિર્માણ માટે અવિરત કાર્યશીલ ભારતના લોહપુરુષના અખંડ ભારતના મિશનમાં સમાયેલાં છે. તેમને સાદર શ્રદ્ધાંજલિ અર્પવા અને રાષ્ટ્રને એક બનાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્સાહપૂર્વક આ પહેલનો પ્રારંભ કર્યો છે. એકતા યાત્રા દ્વારા ગુજરાતના પ્રત્યેક ગામડા સુધી પહોંચીને સૌને સરદાર વલ્લભભાઈ પટેલની સિદ્ધિઓથી પ્રેરિત કરવામાં આવશે તથા તેમના કાર્યોને યાદ કરીને સૌથી અનન્ય રીતે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

સરદાર વલ્લભભાઈ પટેલની જીવની

અખંડ ભારતની આગવી વૈશ્વિક ઓળખ સ્ટેચ્યુ ઓફ યુનિટી,
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ભાવાંજલિ

પ્રખર રાષ્ટ્રભક્ત, અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતા-અખંડિતતામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. એક વિરલ વ્યક્તિ તરીકે તેમની લોકપ્રિયતા પ્રશંસનીય હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, સમાજની નવરચના, બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં તેમની અસરકારક નેતૃત્વશૈલીનાં દર્શન થયાં છે.

ગાંધીજી સાથે દેશની આઝાદીની લડતમાં જોડાયેલા દેશભક્તોમાં વલ્લભભાઈ પટેલ એક અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે દેશહિત માટે અઢળક ધનપ્રાપ્તિ થાય એવો વ્યવસાય છોડી, રજવાડી ઠાઠમાઠ છોડી, કુટુંબના હિતની પરવા કર્યા વગર દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. દેશહિતનાં કાર્યોથી ભારતના નેતાઓમાં સરદાર લોખંડી પુરુષના નામથી પ્રસિદ્ધ થયા. સ્વતંત્ર ભારત પ્રતિ તેમની અડગ નિષ્ઠાના કારણે રાજકીય એકતા સાધવામાં વલ્લભભાઈ પટેલનો અસાધારણ અને અદ્વિતિય ફાળો રહ્યો છે.

એક એવા શિસ્તબધ્ધ સત્યાગ્રહી કે જેણે મહાત્મા પ્રત્યે શ્રદ્ધાભાવ રાખી સ્વાતંત્ર્ય સંગ્રામની તમામ મહત્ત્વની ચળવળો તેમજ સત્યાગ્રહમાં સક્રિય અને અસરકારક ભાગ લીધો. ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગની ચળવળ, હિન્દ છોડો આંદોલન જેવી લડતોથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં પરિણામલક્ષી લોકસંવેદના જગાવે રાખી.

એક એવા અખંડ ભારતના શિલ્પી, કે જેમણે બ્રિટીશ શાસનના અંત પછી ૫૬૨ જેટલાં દેશી રજવાડાંઓને ભારત દેશ સાથે જાડી એક અખંડ હિન્દુસ્તાનની રચના કરી.

એક એવા દીર્ધદૃષ્ટા કે જેમણે ભારતીય રાજ્ય બંધારણમાં મહત્ત્વની બાબતોની ચાર કમિટીઓના ચેરમેન તરીકે પ્રશંસનીય કામગીરી કરી, બંધારણ ઘડતરમાં અવિસ્મરણીય ફાળો આપ્યો. આઈ.સી.એસ. કેડરને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં પરિવર્તિત કરી સંગીન શાસનનો પાયો નાખ્યો.

એક એવા અનોખા રાષ્ટ્રભક્ત કે જેમણે અખંડ હિન્દુસ્તાનના વસમા ભાગલા પછી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં નિરાશ્રિતોની જરૂરિયાત, આશ્રય અને સલામતિની અદ્‌ભુત વ્યવસ્થાનું સુકાન સંભાળ્યું અને ભારતમાંથી જનારા નિરાશ્રિતોના જાન-માલની સુરક્ષા માટે સફળ પ્રયત્નો કર્યા.

ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્ય ભાગમાં આવેલાં આણંદ જિલ્લાનું કરમસદ ગામ સરદાર સાહેબનું વતન છે. ગુજરાતી અભ્યાસ કરમસદની ગામઠી શાળામાં પૂરો કર્યા પછી આગળ અભ્યાસ માટે વલ્લભભાઈ વડોદરા રાજ્યના પેટલાદની શાળામાં દાખલ થયા. ત્યારબાદ ૧૮૯૭માં નડીયાદની શાળામાંથી મેટ્રિક થયા. અંગ્રેજી ભાષા પર વધુ પડતી મમતા એટલે નીચલા ધોરણમાં પણ પોતાના સહાધ્યાયી કરતાં અંગ્રેજી વિષયમાં તે હોંશિયાર હતા. અભ્યાસની સાથો સાથ તેઓ જાહેર પ્રવૃત્તિમાં પણ રસ લેતા. આમ, વલ્લભભાઈમાં નેતૃત્વના ગુણો શાળાના અભ્યાસ દરમિયાન બહાર આવ્યા તેમજ અન્યાયનો દૃઢતાપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિનાં તેમનામાં દર્શન થયાં.

વિચક્ષણ બુદ્ધિ, સામા માણસનો તાગ લેવાની તર્કશક્તિ અને પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવાની કાર્યક્ષમતા વકીલાતના વ્યવસાયમાં સફળ થવા માટેની તેમની મુખ્ય લાક્ષણિકતા હતી. વલ્લભભાઈ પટેલે ગોધરા, બોરસદ અને આણંદમાં વકીલાત કરી. તેમણે છેલ્લે અમદાવાદમાં બેરીસ્ટરી પણ કરી. વકીલાતના વ્યવસાયમાં વલ્લભભાઈની નીડરતા, બુદ્ધિકૌશલ્યતા અને સમયસૂચકતા અદ્‌ભુત હતી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત જીતીને ૧૯૧૫ની સાલમાં દેશમાં આવ્યા. આખા દેશમાં પરિભ્રમણ કર્યા પછી અમદાવાદમાં તેમણે કોચરબ આશ્રમ સ્થાપ્યો. તે વખતે વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં બેરીસ્ટરી કરતા હતા. હોમરૂલ લીગે લાખો સહીઓ સાથે મોન્ટેગ્યૂને મોકલેલી અરજી ગાંધીજીએ ઘડી હતી. તેના ટૂંકા લખાણમાં વલ્લભભાઈને ગાંધીજીની નવી શક્તિનાં દર્શન થયાં. એ પછી ગાંધીજી સાથે વલ્લભભાઈને ટૂંકો પરિચય થયો. ત્યારપછી ગાંધીજીની ખેડા જિલ્લાની સત્યાગ્રહની લડત વેળાએ વલ્લભભાઈને પરિચય થયો. બે-ત્રણ માસના સહવાસથી વલ્લભભાઈને પણ ગાંધીજીના સત્યાગ્રહની કાર્યપ્રણાલિ સમજાતી ગઈ અને તેઓ પારંગત થયા તેમજ શ્રદ્ધાવાન બન્યા. પછી તો આગળ જતાં વલ્લભભાઈ વધારે ને વધારે ગાંધીજીના સંપર્કમાં આવતા ગયા અને છેવટે એમના મુખ્ય અનુયાયી શિષ્ય બની ગયા.

અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ૧૯૧૭ થી ૧૯૨૮ સુધીની દીર્ધકાલિન કામગીરી દરમિયાન વલ્લભભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોક-પ્રતિનિધિની અસરકારક ભૂમિકાના દર્શન કરાવ્યા તથા નવીન હૉસ્પિટલ્સ, શિક્ષણ, જાહેર જીવનમાં સ્ત્રીઓની ભાગીદારી, પૂર-રાહતની અસરકારક કાર્યપધ્ધતિ, ટાઉન પ્લાનિંગ વગેરે ક્ષેત્રોમાં કુશળ વહીવટકર્તાની ભૂમિકા નિભાવી.

આઝાદી માટેની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા રચનાત્મક અને બહુમુખી રહી હતી અને તેથી જ તે એક આગવું સ્થાન ધરાવે છે. સરદાર પટેલની સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા માર્ચ-૧૯૧૮ના ખેડા સત્યાગ્રહથી શરૂ થઈ. ઓગસ્ટ ૧૯૨૦ના અસહકારની લડતમાં, ૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહમાં, બોરસદ સત્યાગ્રહમાં, ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં, સવિનય કાનૂનભંગની ચળવળમાં અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં તેઓએ સક્રીય ભૂમિકા ભજવી. એટલું જ નહીં, પરંતુ કેટલાક સત્યાગ્રહ ચળવળમાં તેઓએ નેતૃત્વ સ્વીકાર્યું અને સફળ પણ રહ્યા. તેમણે ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ ભારતની બંધારણ સભામાં ભાગ લીધો અને સક્રીય ભાગીદારી નોંધાવી. તેમનાં કાર્યો દ્વારા માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના ઇતિહાસના પાને હંમેશને માટે અંકિત થઈ ચૂક્યા છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અનેક દેશી રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને અખંડ ભારત બનાવનારા, રાષ્ટ્રની એકતાના ઘડવૈયા હતા. બ્રિટીશરો સાથે સુમેળભર્યા સંબંધો ધરાવનાર દેશી રાજાઓને સન્માનપૂર્વક ભારતમાં જોડાવા માટે રાજી કરનાર સરદાર પટેલે આ ભગીરથ કાર્ય અસરકારક કાર્યપધ્ધતિ અને અપ્રતિમ કુનેહ વડે પાર પાડ્યું. જો કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરના જોડાણ માટે સમયસરની વિશેષ કાર્યપધ્ધતિઓ તેમણે અપનાવવી પડી હતી અને આમ અખંડ ભારતના વિકાસના મંગળાચરણનું પ્રથમ પગલું મંડાયું.

સ્વરાજ મળતાં જ સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ ગૃહપ્રધાન બન્યા. સરદાર સાહેબના હોદ્દાના ચાર વર્ષ યાદગાર નિવડ્‌યા છે. પાર્લામેન્ટમાં આપવામાં આવેલી હૃદયસ્પર્શી અંજલિઓમાં તેમણે રિયાસતી ખાતામાં સંભાળેલા સુકાનની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સરદાર પટેલ કહેતા ‘ન ઓળંગી શકાય તેવું વિધ્ન નથી.' દેશી રિયાસતોની ગૂંચવણો ઉકેલવા માટે તેમણે પરિશ્રમ ઉઠાવી, મુશ્કેલભરી પરિસ્થિતિમાં લાંબી મુસાફરી કરી. આ ગૂંચવણ ઉકેલવા બદલ તેમને ‘ભારતના બિસ્માર્ક'નું બિરુદ મળ્યું હતું. ઈન્ડિયન સિવિલ સર્વિસને સમેટી લેવા માટે તેમણે બ્રિટન સાથે મંત્રણાઓ કરી અને તે સાથે જ તેમણે ઈન્ડિયન એડ્‌મિનિસ્ટ્રેટિવ સર્વિસનો પાયો નાખ્યો.

સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના સતત પ્રવાસો, કઠોર જેલવાસ, ભોજન અને આરામની અનિયમિતતાઓ તથા અનેક કંટકો-સમસ્યાઓથી ભરપૂર માર્ગે ચાલતાં-ચાલતાં સરદાર પટેલે સ્વાસ્થ્યની પરવા ક્યારેય ન કરી.

આઝાદી પછી નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાનની જવાબદારી ઉપરાંત દેશી-રજવાડાઓના વિલય અને તેમની સાથેના વહેવારોની અગત્યની કામગીરી પણ તેમના શિરે હતી. જેના કારણે શ્રમ અને ચિંતા દિન-પ્રતિદિન વધતાં ગયાં. પરિણામે લોખંડી પુરુષના હૃદય ઉપર માઠી અસર થવા લાગી. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે જીવલેણ નીવડ્યો. કરોડો ભારતવાસીઓને વિલાપ કરતા મૂકીને હિંદના લાડીલા લોખંડી સરદાર સને ૧૯૫૦ના ડિસેમ્બરની ૧૫મી તારીખે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.

ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ગુજરાતના બીજા પનોતા પુત્ર અને ભારતના લોક લાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણનું સેવેલું સોણલું સાકાર થયું છે. ગુજરાતના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી એકતા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં રેલાશે.

 • દેશની એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ.
 • આ પ્રતિમા બનશે દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભારતની દ્રઢતા, ક્ષમતા અને એકતાનો વિશ્વને પરિચય.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો માટે અભ્યાસનો વિષય.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક આસપાસના વિશાળ આદિવાસી વિસ્તારમાં વિકાસને મળશે વેગ.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરની ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરીકાના ન્યુયોર્કની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી લગભગ બમણી ઊંચાઈ અને રીઓ ડે જાનેરોની ધ સ્ટેચ્યુ ઓફ ક્રાઇસ્ટ ધ રીડીમર કરતાં પાંચ ગણી ઊંચાઈ ધરાવે છે.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર સરોવર બંધના હેઠવાસમાં 3.2 કિ.મી. દૂર નર્મદા નદી મધ્યે સાધુ બેટ ઉપર નિર્માણ કરવામાં આવ્યું છે.
 • 25 મીટર ઊંચી પીઠિકા ઉપર 157 મીટર ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું બાંધકામ પૂર્ણ થયું છે.
 • સરદાર પટેલ સ્મારક પ્રોજેક્ટનું અંદાજે રૂ.2,332 કરોડના ખર્ચે નિર્માણ.
 • સરદાર પટેલની વિશાળ પ્રતિમાથી દેશના પ્રવાસન ઉદ્યોગને મળશે અદ્ભુત વેગ.
 • આ પ્રતિમાને નિહાળવા પ્રતિદિન લગભગ 15,000 સહેલાણીઓ મુલાકાત લે એવો પ્રાથમિક અંદાજ છે.
 • પ્રતિમાના ઉપરના સ્થળે મુલાકાતીઓની વ્યુઇંગ ગેલેરીમાં એક સાથે 200 સહેલાણીઓ ઊભા રહી શકશે.
 • પ્રતિદિન 3,000 સહેલાણીઓ વ્યુઇંગ ગેલેરી સુધી લિફ્ટ દ્વારા પહોંચી શકશે.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ’ માં અંદાજે 70 હજાર ટન સીમેન્ટ, 18500 ટન રીઈન્ફોર્સમેન્ટ સ્ટીલ, 6000 ટન સ્ટ્રક્ચર સ્ટીલનો ઉપયોગ થયો છે.
 • બ્રોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમામાં 22,600 ચો.મી. આવરણ અને 1700 મેટ્રિક ટન વજન ધરાવે છે.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના પ્રોજેક્ટ માટે 250 જેટલા ઇજનેરો અને 3700 જેટલા કારીગરો દ્વારા અદ્ભુત પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
દેશ અને દુનિયાના સહેલાણીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનશે અનોખું આકર્ષણ સ્થળ.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીએ સેવેલું સ્વપ્ન સાકાર થયું છે.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ એટલે વિશ્વમાં એકતા-અખંડિતતાનો સંદેશ આપવાની સાથે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના મંત્રની પ્રતીતિ.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વના સહેલાણીઓ માટેનું સૌથી મોટું પર્યટન સ્થળ.
 • કાંસ્ય આવરણથી પ્રતિમા વધુ અલૌકિક ભાસે છે.
 • પ્રવાસીઓને પ્રદર્શન ગેલેરી સુધી લઈ જવા માટે હાઈસ્પિડ એલિવેટર્સની સુવિધા.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની મનોહર પર્વતમાળા જોઈ શકાશે.
 • સરદાર સરોવર ડેમ વિસ્તારમાં કાયમી ટેન્ટ સિટી આકાર પામશે.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના થોડા અંતરે દેશના દુતાવાસની ઢબે દરેક રાજ્યોના અતિથિ ભવનો આકાર પામશે. પ્રધાન મંત્રીશ્રીના એક ભારત-શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના આનાથી મૂર્તિમંત થશે.
 • નર્મદાના તટે 17 કિ.મી. લંબાઈમાં 230 હેક્ટર વિસ્તારમાં દેશ-વિદેશનાં ફૂલોથી શોભતી નયનરમ્ય ‘વેલી ઓફ ફ્લાવર્સ’ નું નિર્માણ થશે.
 • આધુનિક પ્રોજેક્શન મેપિંગ દ્વારા સરદારની જીવનગાથા પ્રદર્શિત કરાશે.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સરદાર પટેલ મ્યુઝિયમમાં 40 હજાર દસ્તાવેજો, 2000 ફોટા અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ. સહેલાણીઓની સરદાર વિશે જાણકારી મેળવવાની તમન્નાઓ સંતોષશે.
 • 'સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રોજેક્ટમાં મેમોરિયલ અને વિઝિટર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
 • સાધુ ટેકરીથી મુખ્ય રસ્તા સુધી જોડતાં આકર્ષક પૂલની સુવિધા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે.
 • શ્રેષ્ઠ ભારત ભવનમાં સહેલાણીઓ રહીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો ભરપૂર આનંદ લઈ શકશે.
 • 100 જેટલા યુવાનોને ગાઈડ તરીકે તાલીમ આપી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વિગતવાર માહિતી આપવામાં આવશે.
 • પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ, કાફેટેરીયા, ગીફટ શોપ વગેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
 • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારથી ચાર કિલોમીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા બાદ પ્રવાસીઓને વિશેષ વાહનો દ્વારા મુખ્ય મથક સુધી લઈ જવાશે.